યે વાદા રહા!!" E vada raha

એક વાત કે જે મેં અત્યાર સુધી કોઈને કીધી નથી!! જે આજ સુધી મારા સિવાય કોઈ જાણતું નથી.

યે_વાદા_રહા!!"

1982નું વરસ હતું. હું પાંચમાં ધોરણમાં ભણતો હતો. અમારા ગામમાંથી એક જાન ભાવનગર જવાની હતી. આમ તો મારા બાપુજી જાનમાં જવાના હતાં પણ મારા બાપુજીને ગામમાં એક નાનકડું રસોડું કરવાનું આવી ગયું એટલે મારા ભાગમાં જાનમાં જવાનું આવી ગયું. વહેલી સવારે પાંચ વાગ્યે લકઝરી બસમાં હું ગોઠવાઈ ગયો. સામાન્ય રીતે જાન એ દિવસોમાં ટ્રેક્ટર આઇશર અથવા મેટાડોરમાં જતી. બહુ કસવાળી અને હોલ્દોલ વાળી પાર્ટી હોય એ જ જાનમાં બસ બાંધતી અને આ પાર્ટી સમૃદ્ધ હતી એટલે લકઝરી બસ બાંધી હતી.


પાંચમાં ધોરણમાં ભણતો હોવાથી હું બહુ બહાર નીકળ્યો નહોતો ખાલી એટલી ખબર કે મારો જિલ્લો ભાવનગર છે અને જાન ભાવનગર જવાની છે એટલે બે દિવસથી હું બહુ જ રોમાંચિત થઈ રહ્યો હતો. સવારમાં પાંચ વાગ્યે જાન ઉપડી. નવા નવા અનુભવ થઈ રહ્યા હતા. જાનમાં મુંબઈના લોકો પણ હતા એટલે એમાંથી એક જણાએ બધાને રેવડી અને ખારીસીંગ વહેંચવાનું શરૂ કર્યું. આ મારા માટે નવું હતું કે જાનની બસમાં આવું પણ મળી શકે. ( બાકી જાનમાં ટ્રેક્ટર હોય કે મેટાડોર, જાન જે ગામ જવાની હોય ત્યાં સુધી ખાલી રોદા ખાવા, ધૂળ ખાવા સિવાય કશું મળતું નહીં, ગામમાં જાન પહોંચે ત્યાં ઉતારો મળે એટલે ગાંઠિયા મરચા અને ચા આવતી) રેવડી અને ખારીસીંગ વહેંચાઈ ગઈ અને બસ દસ કિલોમીટર ચાલી ત્યાં મુંબઈ વાળાએ કાજુ બદામ અને ચના જોર ગરમ વહેંચવાનું શરૂ કર્યું. મારી સાથે બધાએ ખાવાનું શરૂ રાખ્યું. અમારા ગામના જે જાનમાં લગભગ દસેક જણા જ હતા એમાંથી અમુકે તો ખિસ્સા પણ ભરી લીધા. એમ કરતાં કરતાં બે કલાકે ભાવનગર આવ્યું એટલે જે છોકરાઓ બોમ્બેથી આવ્યા હતા એણે બસ સ્ટેડ આવ્યું એટલે બારીમાંથી ડોકાં કાઢીને એક બીજા સાથે વાતો કરી.

" રૂપેશ ગેલેક્સી માં ' યે વાદા રહા" ફિલ્મ લાગ્યું છે. આપણે જોવાનું થાય છે"! મેં પણ બારીમાંથી જોયું તો બસ સ્ટેન્ડની સામે એક મોટું ફિલ્મનું બેનર હતું એમાં " યે વાદા રહા" ફિલ્મની જાહેરાત હતી.

ક્યાં વિસ્તારમાં જાન આવી હતી એ મને ચોક્કસ યાદ નથી પણ ઉતારો એક જૂની ધર્મશાળામાં હતો. ત્યાં પણ અમારું સ્વાગત થયું. ગરમાગરમ ખજૂર દૂધ આવ્યું, ભાવનગરી ગાંઠિયા સાથે ખારી બિસ્કિટ અને કોફી પણ હતી. વચ્ચે એક મોટા હોલમાં ગાદલાની સાથે મોટા સોફા હતા. હું પહેલા બોમ્બે વાળા છોકરાની સાથે પાછલી લાઇનમાં બેઠો. વરઘોડો ચડ્યો, ફટાકડા ફૂટ્યા અને એક સાંકડી શેરીમાં માંડવો હતો. ત્યાંથી બધા પાછા ઉતારે આવ્યાં . જમવાનું ઉતારે હતું. ઘણી બધી નવી વાનગીઓ હતી. લાડવા સાવ અલગ ટાઉપના હતા. સુગંધી હતાં, બીજી પણ મીઠાઈ હતી જે ક્યારેય જોઈ નહોતી અને ઊંધિયું શાક પણ પહેલી વાર ખાધું.છાશ પણ પ્લાસ્ટિકના ગ્લાસમાં પહેલી વાર જોઈ. છેલ્લે આઇસક્રીમ પણ હતો. મુંબઈ વાળા છોકરાઓએ જેમ તેમ જમી લીધું અને પછી એક સાંકડી ગલીમાં પાછળ એરુ થયો હોય એમ ભાગતા હતા હું પણ એમની પાછળ પાછળ લગભગ દોડ્યો. એક ગલીમાંથી બીજી ગલીમાં, ત્યાંથી ત્રીજી ગલીમાં અને ત્યાં એક મોટી બજાર આવી અને આગળ ચાર રસ્તા અને સામે એક મોટી ટૉકીઝ હતી ત્યાં મોટા બોર્ડમાં લખ્યું હતું.


" યે વાદા રહા" 12 થી 3, 3 થી 6.


જો કે મારા પિતાજીને નાનકડી દુકાન હોવાથી ત્યાં ગામના ત્રણ જણા ના છાપા આવતા એટલે એ છાપામાં આવી ફિલ્મ અને ટોકીઝની જાહેરાત આવતી એટલે ખબર હતી પણ ટોકીઝમાં ફિલ્મ ક્યારેય જોયેલું નહીં. ખુલ્લી ટોકીઝમાં ફિલ્મ જોયા હતા પણ આવી ટીકીઝમાં ન્હોતા જોયા ખાલી વાતો સાંભળી હતી કે અંદર એક મોટું મકાન કરતા પણ મોટું ટીવી હોય અને વળી કલરિંગ ટીવી હોય! પેલા બોમ્બે વાળા ટિકિટ લેવા લાઇનમાં ઊભા એની પાછળ હું ઊભો રહ્યો. ખિસ્સામાં હાથ નાંખ્યો તો સવારે દસની નોટ ઘરેથી મળેલી હતી એને તપાસી જોઈ. બોમ્બે વાળા બાલ્કનીની ટિકિટ લઈને અંદર ગયા અને મેં સહુથી ઓછા પૈસાની ટિકિટ લીધી. ગુલાબી રંગની ટિકિટ જીવનમાં પહેલી વાર હાથમાં આવી. અંદર ગયો ત્યાં ઉપર મોટા મોટા પંખા ફરતા હતા. એક જગાએ ફિલ્મના નાનકડા ફોટા લગાડેલા હતાં. એની બાજુમાં એક અંગ્રેજી ફિલ્મના ફોટા હતાં. એમાં અમુક ફોટા એવા હતા કે હું જોઈ ન શક્યો, આંખો બંધ કરી દીધી. એક જગાએ ખારીસીંગ અને બાજુમાં ડબલ સેવન , ગોલ્ડ સ્પોટ, ટોરીનો અને કોકા કોલા કે ( કેમ્પા કોલા? ) ની બોટલો હતી. લોકો શિંગ ખાઈને ઠંડું પીણું પી રહ્યા હતા. અચાનક ઘંટડી વાગી હું પેલા બોમ્બે વાળાની પાછળ પાછળ એક દરવાજે ગયો ત્યાં હાથમાં લાઇટ લઈને એક ગુરખા જેવો માણસ બધાની ટિકિટ ચેક કરતો હતો મારી ટિકિટ જોઈને એ બોલ્યો..

" લોઅર વાળો છે હેઠે જા હેઠે!" મારો કાંઠલો પકડીને તતડાવ્યો. હું નીચે ગયો અને ત્યાંથી અંદર. માંડ માંડ સીટ જડી અને થોડીવારમાં તંદુરસ્તી કી રક્ષા કરતા હૈ લાઇફબોય.. સમ્રાટ વેફર અને શિંગ, બબુલ ટૂથપેસ્ટ, જાનદાર સવારી રાજદૂત, વિકો વજ્રદંતી, પિરામિડ ટીવી એવી બધી જાહેરાતો આવવા લાગી અને પછી પડ્યા નંબરીયા અને પછી હીરો આવ્યો એટલે બધાએ તાળીઓ પાડી એટલે મેં પણ પાડી. ફિલ્મમાં મજા આવી. બે પ્રેમી પંખીડા હોય.


આજે પણ ઘરવાળા ના પાડે છે એમ એ વખતે પણ ના પાડેલી એમાં એક અકસ્માત થાય હીરોઈનને પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે એટલે એનો ચહેરો ફરી જાય. હીરો ભાનમાં આવે એટલે એને કહેવામાં આવે કે તું જિસકો પ્યાર કરતા થા વો બહોત દૂર ચલી ગઈ હૈ કભી વાપસ નહીં આયેંગી! હીરો રડવા લાગ્યો એની સાથે હું પણ રડવા લાગ્યો. મને એમ થયું કે હીરો હવે સાધુ બની જશે પણ દસ જ મિનિટમાં હીરો બીજે પરણી ગયો. પછી એની જૂની પ્રેમિકા જે જીવતી હતી પણ ચહેરો ફરી ગયો હતો એ એને મળે છે. એ ગીત ગાય છે અને હીરોને જૂની પ્રેમિકા યાદ આવે છે. હિન્દી ફિલ્મમાં એ શીખવા જેવું છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એને ગાતા પણ આવડે અને નાચતા પણ આવડે વળી એકલા એકલા કોઈ દિવસ નાચે નહીં. જેવું સંગીત વાગે કે ઘણા બધા દીકરા દીકરીઓ આવીને નાચવા લાગે!! ફિલ્મ પ્રવાહમાં હું એટલો બધો ખેંચાઈ ગયો કે સ્થળ, કાળ અને સમયનું ભાન ભૂલી ગયો હતો. સહુથી છેલ્લે હું બહાર નીકળ્યો, આમતેમ નજર ફેરવી બોમ્બે વાળા છોકરા દેખાયા નહીં એટલે હું જ્યાં અમારો ઉતારો હતો ત્યાં ગલીઓ વટાવતા વટાવતા ગયો. જે જૂની ધર્મશાળા હતી ત્યાં બહાર ગરમાગરમ દૂધના ગ્લાસ પીતા હતા ત્યાં જઈને મેં ગ્લાસ ઉઠાવ્યો અને પી ગયા પછી પૂછ્યું કે જાન વાળા ક્યાં છે??


" એ લોકો હમણાં જ ગયા?? ભાવનગરની બહાર નહીં નિકળ્યા હોય?" આ સાંભળીને અર્ધો ગ્લાસ દૂધનો ત્યાં રહેવા દઈને હું મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો. મને એટલી ખબર હતી કે તળાવમાંથી બસ સ્ટેન્ડની રિક્ષા મળે અને બસ સ્ટેન્ડથી એક બસ સાંજે નીકળે છે જે મારા ગામની બાજુના ગામમાં રાત્રે દસ વાગ્યે આવે છે. શિયાળો અને ઠંડી હોવા છતાં મને પરસેવો વળી ગયો. ઘરે શું થશે? બસમાંથી હું નહીં ઊતરું તો મારા બા અને બાપુજી શું કરશે? બસ આ ચિંતા સતાવી રહી હતી. બીજી ચિંતા એ હતી કે રાત્રે હું બાજુના ગામમાં થી ચાલીને ઘરે જઈશ તો પછી કેવોક માર પડશે એની હતી.. તળાવમાંથી એક રિક્ષામાં બેસી ગયો. એ બસ સ્ટેન્ડ તરફ જતી હતી. રિક્ષામાં બેઠા પછી ખ્યાલ આવ્યો કે પૈસા તો નથી. દસની નોટમાં થી ટિકિટ અને એક ખારીસીંગ તેમજ ક્રીમ રોલ ખાઇ ગયો હતો. નક્કી જ હતું કે જાનની બસમાં જ જવાનું છે એટલે પૈસાનું શું કામ છે?? હવે મને રડવું આવતું હતું.. બસ સ્ટેન્ડ પર રિક્ષા વાળો પૈસા માંગશે તો હું શું જવાબ આપીશ.. રાતની બસમાં કન્ડક્ટર પૈસા માંગશે તો શું જવાબ આપીશ.. અને અચાનક અમારી રિક્ષા ઉભી રહી.. આગળ એક બસ હતી અને માણસોનું ટોળું હતું.. મારી આંખોને અનહદ આનંદ ત્યારે થયો કે એ બસની પાછળ વર કન્યાનું નામ લખ્યું હતું. રિક્ષા વાળો રીક્ષા ઊભી રાખીને આગળ ગયો અને હું ઊતરીને સીધો મારી બસમાં બેસી ગયો પછી આખી વાત સમજમાં આવી. કે અમારી જાનની બસે એક રિક્ષા વાળાને અડફેટે લઈ લીધી હતી. રિક્ષાને નુકશાન થયું હતું પણ કોઈ માણસને સહેજ પણ ઇજા નહોતી થઈ. ખર્ચની રકમ નક્કી થઈ ગઈ હતી ત્યાંજ પોલીસ આવી ગઈ અને વાત વધી ગઈ. છેલ્લે પોલીસ અને રિક્ષા વાળાને બેયને રાજી કરીને અમારી બસ ચાલી. મને એક આખી સીટ મળી ગઈ હતી કે કારણ કે બોમ્બે વાળા જે હતા એ સાંજે ભાવનગરથી સીધા બોમ્બે જવાના હતાં એટલે જગા મળી ગઈ હતી. બસ પછી તો મજા આવી ગઈ. સાવ હળવો થઈ ગયો. સવારની વધેલી શિંગ રેવડી બિસ્કિટ અને સૂકો મેવો પાછો બસમાં વહેંચવામાં આવ્યો. બધાએ દોથા ભરી ભરીને ખાધો. સાંજે બસ અમારા ગામમાં પહોંચી. ઘરે ગયો. મને જે અનુભવ થયો એ મેં કોઈને કીધો પણ નથી. આ તો રિક્ષા ભટકાણી એટલે બધું કવર થઈ ગયું બાકી મારો ખાખરો ખરી જાત એ વાત પાકી હતી. યે વાદા રહા ફિલ્મ જોયા પછી મેં નક્કી કર્યું કે બહારગામ જવાનું થાય ત્યારે જે કામે ગયા હોય ત્યાંજ ખોડાઈ રહેવું. આઘું પાછું ન થવું.. અને ત્યાર થી અબ તક "યે વાદા રહા! નિભા રહા હું!!!

લેખક મુકેશ સોજીત્રા.

Post a Comment

Previous Post Next Post